ભટ્ટનારાયણ રચિત 'વેણીસંહાર' નાટક

રામાયણ અને મહાભારત બન્ને મહાકાવ્યો સંસ્કૃત સાહિત્યની અનેક સાહિત્ય કૃતિઓનાં આધારો બન્યાં છે. માત્ર સંસ્કૃત જ નહીં, અન્ય ભાષાનાં સાહિત્યમાં પણ આ બન્ને મહાકાવ્યો મહત્વનો આધાર બન્યાં છે. સંસ્કૃત સહિત અન્ય ભાષાઓમાં આ બન્ને મહાકાવ્યનાં પ્રસંગો પર આધારિત અનેક મહાકાવ્યો, નાટકો, વગેરે લખાયાં છે.

ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઇ ગયેલા સંસ્કૃત નાટ્યસાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસે ૧૩ નાટકો લખ્યાં હતાં, એમાંથી ૬ નાટકો મહાભારત આધારિત હતાં-

કર્ણભારમ્ , મધ્યમવ્યાયોગ, પંચરાત્રમ્,
દૂતવાક્યમ્ , દૂતઘટોત્કચમ્ અને ઉરુભંગમ્.

ભાસ પછી ઇ.સ. ની સાતમી સદીમાં  થઇ ગયેલાં ભટ્ટ નારાયણે સંસ્કૃત નાટ્યસાહિત્યમાં મહાભારતની કથાને સારી રીતે વણી લેતાં નાટક 'વેણીસંહાર' ની રચના કરી. સંસ્કૃત સાહિત્યમાં ભટ્ટનારાયણની આ એક માત્ર કૃતિ છે.

'વેણી' એટકે ચોટલો, અને 'સંહાર' એટલે 'ગૂંથવું'.


દુઃશાસન દ્યુતસભામાં દ્રૌપદીનાં વાળ પકડીને એને બળપૂર્વક  ઢસડીને લાવ્યો હતો. આથી દ્રૌપદી એ પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી દુઃશાસનનાં લોહીથી પોતાના વાળ ભીંજવે નહિ ત્યાં સુધી ખુલ્લા જ રાખશે. 'વેણીસંહાર' નાટકનાં અંતમાં ભીમ દુઃશાસનનાં લોહીથી દ્રૌપદીનાં વાળ ભીંજવી ચોટલો ગૂંથે છે એ પ્રસંગનાં આધારે જ નાટકનું શીર્ષક 'વેણીસંહાર' રાખવામાં આવ્યું છે.

છ અંકનાં આ 'વેણીસંહાર' નાટકની સૌથી મોટી વિશેષતા એ છે કે મહાભારતની યુદ્ધકથાને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવી છે.

આ ઉપરાંત વેણીસંહારની બીજી એક વિશેષતા ત્રીજા અંકમાં આવતો 'કર્ણ-અશ્વત્થામા કલહ' પ્રસંગ પણ છે, જે મહાભારતમાં નથી પણ ભટ્ટનારાયણનું મૌલિક સર્જન છે.

ગુરુ દ્રૌણનાં મૃત્યુ પછી કૌરવપક્ષનાં સેનાપતિ કોણ બને એનાં માટે મંત્રણા શરું હતી. અશ્વત્થામાને પિતાની હત્યાનો બદલો લેવો છે માટે સેનાપતિ બનવા માંગે છે, જયારે કર્ણ અર્જુનને હરાવવા માંગે છે માટે સેનાપતિ બનવા ઇચ્છે છે. બન્ને વચ્ચે સેનાપતિપદ માટે ઝગડો થાય છે. અશ્વત્થામા કર્ણને 'સૂતપુત્ર સેનાપતિ ન બની શકે' એવું કહી અપમાનિત કરે છે.

અશ્વત્થામાએ કર્ણની દુખતી નસ પર જ હાથ મુક્યો. 'દાસીપુત્ર' , 'કાયર' , 'નીચ' વગેરે શબ્દો કહી કર્ણનું અપમાન કરે છે અને કર્ણનાં મસ્તક પર પોતાનો પગ રાખવાંનો પ્રયત્ન કરે છે.

કર્ણનો ક્રોધ ચરમસીમા ઓળંગી ગયો. એ તલવાર હાથમાં લે છે અને  અશ્વત્થામાને કહે છે-

"જો તું બ્રાહ્મણ ન હોત તો તારું મસ્તક અત્યારે જ ધડથી અલગ કરી નાખ્યું હોત."

અશ્વત્થામા પણ કર્ણને વળતો જવાબ આપતાં પોતાની જનોઈ કાપી નાખે છે અને કહે છે-

" હવે હું બ્રાહ્મણ નથી, હિંમત હોય તો ધડથી અલગ કરી બતાવ મારુ મસ્તક!!"

ત્યાં હાજર રહેલાં દુર્યોધન અને કૃપાચાર્યનાં પ્રયત્નથી બન્ને શાંત થાય છે.

કર્ણ-અશ્વત્થામા કલહ જેવો કોઈ પ્રસંગ મહાભારતમાં નથી. પણ પોતાનાં આ મૌલિક સર્જન માટે ભટ્ટનારાયણ અને તેનું નાટક 'વેણીસંહાર' બન્ને પ્રખ્યાત છે.

जयतु संस्कृतम्
जयतु भारतम्

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.