વિમળા થી નિર્મળા

"વિમળા થી નિર્મળા"

ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો.
હાઇવે ને જોડતા, ગામની બહાર જવાના પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે ઉતાવળી ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ.

વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી.

"બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!"

"આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!"

પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું.

"બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!"

"મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....."

નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા લાગ્યાં. અને ત્યાં જ દેવો જમીન પર પડ્યો અને મોઢું સીધું ભોં એ! દેવો રડવા લાગ્યો.

" હે ભગવાન....બધી પરીક્ષા આજ જનમમાં લેવાની છે તારે!"

"ઉભો થઇ જા મારા પેટ...ચુપ થઇ જા....જો કાંઈ નથી વાયગુ ...હમણાં હાઇવે પોગી જાહું!"

હાઇવે હજી ત્રણ કિલોમીટર દુર હતો. એવાંમાં જ ગામના એક વડિલ વિહાજી સામે આવતા દેખાણા અને વિમળાની આંખો પહોળી થઇ ગઈ. એણે પોતાનું મોઢું સાડી થી ઢાંકી દીધું.

જેમ જેમ નજીક આવતાં ગયાં એમ એમ વિમળાનાં પગ ધીમા પડતાં ગયાં.

વિહાજી અને વિમળા સામ સામે આવી ગયાં. મોઢું ઢાંકેલું હતું તો પણ વિહાજી વિમળાને ઓળખી ગયાં.

"કોણ.....વિમળા વહુ!?"

વિમળા તરતજ એમનાં પગમાં પડી ગઈ.

"વિહા બાપા....આજ મને જાવા દ્યો. હવે મારા થી કાંઈ સહન થાય એમ નથી. તમે ગામમાં કોઈને કે'તા નહીં કે વિમળા ને મેં જાતા જોઈ....બસ આટલો ઉપકાર કરો મારા પર"

વિહાજી કાંઈ બોલે એ પહેલાં જ મોટા દીકરા દેવાએ વિહાજીની આંગળી પકડી ને કહ્યું,

"દાદા મને બહુ તરસ લાગી સે...મારી બા ને કયો ને મારે પાણી પીવું સે!"

વિહાજી એ દેવાના માથે હાથ મુકીને કહ્યું,

"બટા ...અત્યારે તારી મા ની હારે દોયડ...પછી આખીય જીંગી તારી મા તને તરશ્યો નહીં રે'વા દે!"

વિહાજીની વાત થી જવાબ મળતાં જ વિમળા એ હાઇવે તરફ વધારે વેગ થી પગલાં ભર્યા.

******

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.