સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

મહાકવિ કાલિદાસનાં નામ થી ભારત દેશ અને પુરી દુનિયા પરિચિત છે. કારણ કે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ (ઈ.સ. પૂર્વે પાંચમી સદી) પછી સંસ્કૃત સાહિત્યમાં પોતાની સાત કૃતિઓનાં કારણે પ્રશંસનીય બન્યાં છે.

* કાલિદાસનો સમય :

કાલિદાસનાં સમય અંગે વિદ્વાનોનાં મતો ના આધારે બે વર્ગ થયા છે. પ્રથમ વર્ગનાં વિદ્વાનો કાલિદાસ ને ઉજ્જૈનનાં પરમાર વંશીય રાજા વિક્રમાદિત્યનાં રાજકવિ હતાં અથવા આશ્રિત હતાં એવું કહી આ અંગેનાં ઘણા બધા કારણો આપી કાલિદાસનો સમય વિક્રમાદિત્ય બીજાનો સમય એટલે કે ઈ.સ.પૂર્વે પ્રથમ સદી બતાવે છે.

વિદ્વાનોનો બીજો વર્ગ કાલિદાસનો સમય ઈ.સ. પાંચમી સદી બતાવે છે. પણ બંને મતોનાં વિશ્લેષણ ને આધારે કાલિદાસનો સમય ઈ.સ.પૂર્વે પ્રથમ સદીનો જ છે એવું પરવર્તી સંસ્કૃત વિદ્વાનો માને છે.

* કાલિદાસની જન્મભૂમિ-કર્મભૂમિ :

કાલિદાસ ની જન્મભૂમિ-કર્મભૂમિ અંગે વિદ્વાનો ભારતવર્ષનાં અનેક પ્રદેશો ને ગણાવે છે જેમકે કાશ્મીર, બંગાળ, વિદર્ભ, માળવા અને ઉજ્જૈન અને લંકા. પરંતું આમાં બધા કરતાં પ્રબળ અને સ્વીકાર્ય મત છે ઉજ્જૈન. કાલિદાસે પોતાની કૃતિઓમાં જયારે જયારે તક મળી છે ત્યારે ત્યારે ઉજ્જૈનનું ભવ્ય વર્ણન કર્યું છે. 'मेघदूतम्' મેઘનો જે માર્ગ છે એમાં ઉજ્જૈન આવતું નથી. તો પણ 'मेघदूतम्' માં મેઘ ને દૂત બનાવનરો યક્ષ મેઘને માર્ગ બતાવતાં સમયે કહે છે-

"वक्रपन्था: यदपि भवत: प्रस्थित्तस्योत्तरस्यां"
"હે મેઘ! ઉત્તર દિશા તરફ આગળ વધતાં માર્ગમાં તારે સહેજ વક્ર (માર્ગ થી આડું થવું પડે) થવું પડે તો પણ ઉજ્જૈન જજે, ત્યાંની સમૃદ્ધિને માણવાનું અને મહાકાલનાં દર્શનનું સૌભાગ્ય તને મળશે."

'मेघदूतम्' માં કાલિદાસે ઉજ્જૈનનું ભવ્ય વર્ણન પણ કર્યું છે. ઉજ્જૈન પ્રત્યેનાં કાલિદાસનાં આ પ્રેમ-લાગણીઓનાં આધારે જ વિદ્વાનો ઉજ્જૈન ને કાલિદાસની જન્મભૂમિ-કર્મભૂમિ કોઈ શંકા વગર માને છે. (આજે પણ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પ્રતિવર્ષ ઉજ્જૈનમાં 'कालिदास समारोह' નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.)

* કાલિદાસની કૃતિઓ :

સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ પોતાની સાત કૃતિઓનાં આધારે મહત્વનું સ્થાન ધરાવે છે.

સાત કૃતિઓમાં ત્રણ નાટકો છે-

मालविकाग्निमित्रम् - આ પાંચ અંકનાં નાટકમાં વિદિશાનાં રાજા અગ્નિમિત્ર અને માલવિકાની પ્રણયકથા મુખ્ય છે. આમ બન્નેનાં મિલનમાં રાજાનો પરમ મિત્ર અને પોતાના દરેક વાક્યમાં હાસ્ય ભરી દેનાર વિદુષકની મુખ્ય ભૂમિકા છે.

विक्रमोर्वशीयम् - આ પાંચ અંકનાં નાટકમાં રાજા પુરૂરવા અને અપ્સરા ઉર્વશીની પ્રણયકથા મુખ્ય છે.

अभिज्ञानशाकुन्तलम् - સાત અંકનું આ નાટક કાલિદાસની શ્રેષ્ઠ રચના છે. આમાં કણ્વ ઋષિ ની પાલક પુત્રી (અપ્સરા મેનકાની પુત્રી) શકુન્તલા અને રાજા દુષ્યન્તની પ્રણયકથા મુખ્ય છે. શૃંગાર રસ પ્રધાન આ નાટકમાં દુર્વાસાનો શાપ કરુણનું મુખ્ય કારણ બને છે. આ નાટકનું મુખ્ય સ્ત્રીપાત્ર શકુન્તલા સમગ્ર નારીજાતિનું પ્રતિનિધિત્વ કરે છે.

બે મહાકાવ્યો -

कुमारसंभवम् - આ મહાકાવ્ય સત્તર સર્ગોનું (પ્રકરણ/વિભાગ) બનેલું છે. તારકાસુરનાં વધ માટે મહાદેવ પુત્રની જરૂર પડે છે. પણ આ માટે મહાદેવનાં વિવાહ અનિવાર્ય છે. શિવ-પાર્વતીનાં વિવાહ અને કુમાર કાર્તિકેયનો જન્મ આ બે કથા આ મહાકાવ્યમાં મુખ્ય છે.

रघुवंशम् - આ મહાકાવ્ય ઓગણીસ સર્ગોનું બનેલું છે. આમાં સૂર્યવંશનાં રાજા દિલીપથી શરુ કરી રાજા અગ્નિવર્ણ સુધીનાં રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

ઉર્મિપ્રધાન બે કાવ્યો-

ऋतुसंहारम् - ઋતુસંહાર 6 સર્ગોમાં વિભાજિત 145 શ્લોકોનું લઘુકાવ્ય છે. દરેક સર્ગમાં એક એમ કુલ છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, હેમંત, શિશિર અને વસંતનું સૂક્ષ્મ અને પ્રભાવશાળી વર્ણન છે.

मेघदूतम् - પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ કુબેર એનાં સેવક યક્ષને એક વર્ષ સુધી તેની પ્રિયતમા થી દૂર રહેવું પડશે એવો શાપ આપે છે. યક્ષ વર્ષનાં 8 મહિના રામગીરી પર્વત પરનાં આશ્રમોમાં વિતાવી લે છે પણ અષાઢનાં પ્રથમ દિવસે મેઘ ને જોઈને પ્રિયતમા ને મળવા ખુબ આતુર થઇ જાય છે. યક્ષ મેઘને જ દૂત બનાવી પોતાની પ્રિયતમા પાસે મોકલે છે અને સંદેશો કહેવડાવે છે કે જલદી જ શાપ નો સમય પૂર્ણ થતાં પોતે આવશે.

120 જેટલાં શ્લોકો વાળા આ કાવ્યમાં રામગીરી પર્વતથી કૈલાસ પર્વતની તળેટી અલકા નગરી સુધી ના ભૌગોલિક સ્થળોનું મેઘમાર્ગ તરીકેનું વર્ણન છે.

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

जयतु संस्कृतम्
जयतु भारतम्

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

જાણો સંસ્કૃત નાટકો વિષે.