મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ ऋतुसंहरम् છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે.

ऋतुसंहरम् છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું.

ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે.

ऋतुसंहरम् ની શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા રાખવામાં આવે છે એવા ચંદ્રનાં વર્ણનથી થાય છે. રાત્રે મધુર સંગીત રેલાતું હોય છે. લોકો રાત્રે પોતાના ભવનોની અગાશી પર સુઈ ને ઉનાળો સુખેથી પસાર કરે છે. એવી કામના વ્યક્ત થઇ છે.

ગ્રીષ્મનાં ગમન પછી વીજળી રૂપી ધ્વજાઓ ફરકાવતી અને વાદળોની ગર્જનાથી ઢોલ-નગારાનો અવાજ કરતી મેઘાડંબર સાથેની વર્ષા ઋતુનું આગમન થાય છે. બળબળતી સૃષ્ટિ ટાઢક અનુભવે છે. સ્ત્રીઓ દેહનો શણગાર કરે છે. સૃષ્ટિનાં જીવો કામોત્તેજિત થાય છે. પ્રવાસે ગયેલા પતિઓ પોતાની પત્ની ને મળવા અધીરા થયા છે એવો વર્ષાનો પ્રભાવ છે.

વર્ષાનાં ગમન પછી નવવધૂ જેવી કમનીય કાંતિવાળી શરદ ઋતુનું આગમન થાય છે. શરદમાં ઋતુમાં ચંદ્રમાં, સુગંધીદાર પવન અને તરંગોવાળા કમળસરોવર  પ્રેમીજનોની લાગણીઓને ઉત્તેજિત કરે છે.

શરદ પછી હેમંત ઋતુનું આગમન થાય છે. હેમંતનાં આગમનથી પ્રેમીજનો પ્રણયમસ્તીમાં લીન બની જાય છે. આ ઋતુમાં આભૂષણપ્રિય રમણીઓ આભૂષણ ધારણ કરતી નથી કેમકે તેઓ ઠંડા લાગે છે.

હેમંત પછી શિશિરનું આગમન થાય છે. શિશિરમાં બંદ બારણાવાળા મકાનોનો અંદરનો ભાગ, અગ્નિ, સૂર્યકિરણો, જાડા વસ્ત્રો અને યૌવનભરી લલનાઓ પુરુષોને સેવનયોગ્ય લાગે છે. આ શિશિર ઋતુનાં વર્ણનમાં કાલિદાસે શૃંગારનો પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે.

પાંચ ઋતુઓનાં વર્ણન પછી ઋતુચક્ર કામણગારી ઋતુરાણી વસંતનાં વર્ણનમાં વિરામ પામે છે. વસંતનું આગમન કાલિદાસે અદ્દભુત રીતે વર્ણવ્યું છે-

प्रफुल्लचूताङ्कुरतीक्ष्णसायको
द्विरेफमाला विलसद्धनुर्गुण: l
मनांसि वेद्धुं सुरत प्रसड्गीनां
वसंतयोद्धा समुपागतः प्रिये ll१-६ll

“હે પ્રિયે!, અંકુરમાંથી પૂર્ણ ખીલી ગયેલા પુષ્પોની તીક્ષ્ણ ધાર જેના બાણ છે અને વિલાસતા ભ્રમરોની પંક્તિ જેનું ધનુષ છે એવો કામદેવ રૂપી વસંત નામનો યોદ્ધા પ્રેમીઓનાં મનને ભેદવાં સારી રીતે આવી ગયો છે!!”

વસંતનાં આગમનની અસર દર્શાવતાં કાલિદાસ લખે છે-

द्रुमाः सपुष्पाः  सलिलं सपद्मं
स्त्रियः सकामाः पवनः सुगंधिः ।
सुखाः प्रदोषा दिवसाश्च रम्याः
सर्वं प्रिये चारुतरं वसन्ते।।२-६।।

“હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે!”

આ રીતે અન્ય ઋતુઓની અપેક્ષા એ કાલિદાસે ઋતુરાજ વસંતનું ભવ્ય વર્ણન કર્યું છે.

કાવ્યનો આરંભ ઋતુરાજ વસંત થી ન કરીને ગ્રીષ્મનાં બળબળતા વર્ણનો થી કરવાને કારણે અમૂક વિવેચકો કાલિદાસ પાર અનૌચિત્યનું  (આમ ન હોવું જોઈએ) આરોપણ કરે છે. પરંતું કાલિદાસે ઋતુરાજ વસંતનું જે ભવ્ય વર્ણન કર્યું છે એ જોતાં એવું કહી શકાય કે જો વસંતનું વર્ણન પ્રથમ કર્યું હોત તો અન્ય ઋતુઓનું પછી થી આવતું વર્ણન નીરસ અને ફિક્કું લાગે. માટે કાવ્યદૃષ્ટિ એ વસંતનું વર્ણન  સૌથી છેલ્લે કર્યું એ યોગ્ય છે.

સંસ્કૃત સાહિત્યની કૃતિઓમાં કોઈને કોઈ ઋતુનું વર્ણન હોય જ છે, પણ ઋતુઓનાં વર્ણન માટે જ એકમાત્ર અલગ કૃતિ એ મહાકવિ કાલિદાસનું આ ઋતુસંહાર છે.

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

जयतु संस्कृतम्
जयतु भारतम्

Comments

Popular posts from this blog

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.