જાણો સંસ્કૃત નાટકો વિષે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે-

'काव्येषु नाटकं रम्यम्'

'કાવ્યોમાં નાટક રમણીય છે'

કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્ય છે. જોઈ શકાતું હોવાથી નાટક ને 'રૂપક' પણ કહેવાય છે.

ભરતમુનિએ नाट्यशास्त्रम्  નામક ૩૬ અધ્યાયનો વિશાળ ગ્રંથ લખ્યો છે જેમાં નાટક ના અથ થી ઇતિ વિષેનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. આમાં નાટકનું લક્ષણ આપતાં તેઓ એ લખ્યું છે-

'अवस्थानुकृतिर्नाट्यम्'
નટો = અભિનેતો દ્વારા રામ વગેરે મહાન ચરિત્રોના જીવનની જુદી જુદી અવસ્થાઓનું અનુકરણ એટલે નાટ્ય.

નાટકોનો મુખ્ય આધાર વસ્તું, નેતા અને રસ છે.

વસ્તું એટલે કથાવાસ્તુ. સંસ્કૃત નાટ્યકાર રામાયણ મહાભારત પુરાણ અથવા વૈદિક કથાઓ માંથી કોઈ એક પ્રસંગ લઇ  સૌપ્રથમ પાત્રોની પસંદગી કરી તે પાત્રોના સંવાદો લખી નાટકનું કથાવાસ્તુ તૈયાર કરે છે, આ સળંગ કથાવાસ્તુ ને અમુક ચોક્કસ ભાગમાં વહેંચવામાં આવે છે, આ ભાગ ને અંક કહેવામાં આવે છે. ઓછામાં ઓછા એક અંકનું નાટક અને વધારેમાં વધારે દસ અંકોનું નાટક હોવું જોઈએ.નાટ્યકાર મૂળ કથામાં આવતા પ્રસંગોમાં ફેરફાર પણ કરે છે, જરૂર લાગે તો નવા પ્રસંગ ઉમેરે છે અને જરૂર નથી એવા પ્રસંગો ને કાઢી પણ શકે છે. આ રીતે સંસ્કૃત નાટક તૈયાર થાય છે.

નાટકનું કથાવાસ્તુ ત્રણ પ્રકારનું હોય છે

૧.પ્રખ્યાત - રામાયણ, મહાભારત,પૌરાણિક કથાઓ વગેરે આધારિત.

૨.કાલ્પનિક - પ્રખ્યાત આધાર નહીં તેવું, કવિએ પોતાની કલ્પના શક્તિથી લખેલ.

૩.મિશ્ર - પ્રખ્યાત અને કાલ્પનિક બંને ભેગું કરેલું.

નેતા એટલે નાયક. નાટકનાં મુખ્ય પુરુષપાત્રને નાયક કહેવામાં આવે છે જે ફ્લપ્રાપ્તિ માટે નાટકનાં પ્રારંભ થી અંત સુધી પ્રયત્ન કરતો હોય છે અથવા નાટકના પ્રારંભ થી લઈને અંત સુધીનું કથાવસ્તુ નાયક પર જ કેન્દ્રિત હોય છે. નાયકનું સાથી સ્ત્રીપાત્ર તે નાયિકા. નાયિકા નાયકની પ્રેમિકા પણ હોય શકે અને પત્ની પણ. નાયક-નાયિકાનો દુશ્મન, નાયક-નાયિકા ને હેરાન કરતો અને નાયક ની સિદ્ધિમાં અડચણ બને તે પુરુષપાત્ર એટલે ખલનાયક (વિલન).

સંસ્કૃત નાટ્યસાહિત્યકારો એ ધીરતા નો ગુણ મુખ્ય રાખી અન્ય ગુણો સાથે નાયકનાં ચાર પ્રકારો બતાવ્યા છે-

૧.ધીરશાન્ત અથવા ધીરપ્રશાંત - ધીર અને શાંત સ્વભાવ વાળો નાયક

૨.ધીરોદાત્ત - ધીર અને ઉદાત્ત સ્વભાવનો.

૩.ધીરોદ્ધાત - ધીર અને ઉદ્ધત સ્વભાવ વાળો.

૪.ધીરગંભીર - ધીર અને ગંભીર સ્વભાવવાળો.

રસ એટલે એટલે જેનું આપણે આસ્વાદન કરી આનંદની પ્રાપ્તિ કરી શકીએ તે તત્વ. આ આસ્વાદન નાયક વગેરે દ્વારા થતાં અભિનય અને પ્રસંગો પર થી થાય છે.સંસ્કૃત નાટ્યસાહિત્યકારોએ નાટકમાં નવ રસો ગણાવ્યા છે.

૧.શૃંગાર
૨.વીર
૩.હાસ્ય
૪.કરૂણ
૫.રૌદ્ર
૬.ભયાનક
૭.અદ્દભુત
૮.બીભત્સ
૯.શાંત

નાટકમાં એક રસ મુખ્ય હોય છે, જેને અંગી રસ પણ કહેવામાં આવે છે.બાકીના રસો ગૌણ હોય છે.

વસ્તું, નેતા અને રસનાં અવાંતર ભેદ થી નાટકનાં દસ પ્રકારો થાય છે-

नाटकं सप्रकरणं भाणप्रहसन डिम: ।
व्यायोग समवकारौ विथ्यड्केहामृगा इति।।

૧.નાટક ૨.પ્રકરણ ૩.ભાણ ૪.પ્રહાસન ૫.ડિમ ૬.વ્યયોગ ૭.સમવકાર ૮.વિથી ૯.અંક અને ૧૦.ઇહામૃગ.

આમાં પ્રથમ પ્રકાર નાટક શ્રેષ્ઠ છે.

-નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

  1. સંસ્કૃત નાટ્ય ઉપરંપરામાં ઉપરૂપકના કેટલા પ્રકાર માનવામાં આવ્યા છે?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ