રાણી દુર્ગાવતી


રાજપૂત વીરાંગના રાણી દુર્ગાવતી.


चन्देलों की बेटी थी,

गौंडवाने की रानी थी,

चण्डी थी रणचण्डी थी,

वह दुर्गावती भवानी थी.....


રાણી દુર્ગાવતી કાલિંજરનાં ચંદેલ વંશીય રાજા કીર્તિસિંહનાં પુત્રી હતા. તેમનો જન્મ 5 ઓક્ટોબર 1524નાં દિવસે થયો હતો, ત્યારે દુર્ગાષ્ટમી હતી આથી જ એમનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. દુર્ગાવતીનું સૌંદર્ય અપ્રતિમ હતું. રાજા કીર્તિસિંહે દુર્ગાવતીનો ઉછેર રાજકુમારની જેમ જ કર્યો હતો. યુદ્ધકલા સાથે રાજ્ય શાસન પણ શીખવ્યું.

દુર્ગાવતીનાં વિવાહ ગૌડ વંશીય પ્રતાપી રાજા દલપતશાહ સાથે થયા હતાં. એમનું રાજ્ય ગઢમંડલા હતું. લગ્નનાં એક વર્ષ બાદ પુત્ર પ્રાપ્તિ થઇ જેનું નામ નારાયણસિંહ રાખવામાં આવ્યું. લગ્નનાં ચાર વર્ષ બાદ તેમનાં પતિ રાજા દલપતશાહનું અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના ત્રણ વર્ષનાં પુત્રને રાજા તરીકે નિયુક્ત કર્યા અને પોતે જ રાજ્ય ચલાવવા લાગ્યા.

એમનાં શાસનમાં ગઢમંડલાનો ખુબ વિકાસ થયો. અનેક મંદિરો, મઠો, ધર્મશાળાઓ, કુવાઓ બનાવ્યાં. રાણીએ ત્રણ મોટા તળાવો પણ બનાવ્યાં જેનાં નામ છે-

૧.વિશ્વસનીય દાસી ચેરીનાં નામ પર થી ચેરી તળાવ.
૨.વિશ્વસનીય દિવાન-સેનાપતિ આધારસિંહ નાં નામ પર થી આધાર તળાવ.
૩.પોતાનાં નામ પર થી રાણી તળાવ.

ગઢમંડલાની સમૃદ્ધિ જોઈ માળવાનાં મુસ્લિમ શાસક બાજબહાદુરે અનેકવાર ગઢમંડલા પર ચડાઈ કરી પણ દરેક વખતે હાર્યો.

અંતે વાત અકબર સુધી પહોંચી. અકબર રાણી દુર્ગાવતીને હરાવી રાજ્ય હડપવા ઇચ્છતો હતો તથા રાણી ને પોતાના હરમમાં નાખવા ઇચ્છતો હતો. આથી તેણે રાણીને ફરમાન મોકલ્યું કે રાણી દુર્ગાવતી તેમનો રાજ પરિવારનો સફેદ હાથી તથા સેનાપતિ આધારસિંહ આ બન્ને  અકબર ને ભેટમાં આપી દે. રાણી દુર્ગાવતી એ અકબરનું ફરમાન નકાર્યું તેથી અકબરે આસફ ખાં નાં નેતૃત્વમાં મુગલ ફોજ મોકલી.

પ્રથમ યુદ્ધમાં રાણી દુર્ગાવતીનાં યુદ્ધ વ્યૂહ ને કારણે આસફ ખાં હાર્યો અને પલાયન થઇ ગયો.

બીજા યુદ્ધ માટે આસફ ખાં એ 3000 મુગલ સૈનિકો ની ફોજ તૈયાર કરી. બીજી બાજુ રાણી દુર્ગાવતીએ ગઢમંડલા નજીક નરઈ નદીનાં કિનારાનાં પ્રદેશ બરેલાં માં પોતાની સૈન્ય છાવણી સાથે પડાવ નાખ્યો. યુદ્ધમાં રાણીએ પોતે ભાગ લેવાની ઈચ્છા થી પુરુષનો યુદ્ધ પોષાક ધારણ કર્યો. રાણી દુર્ગાવતીને યુદ્ધ પોષાકમાં  જોઈ ગઢમંડલા ની સેનાએ પોતાના રાજા દલપતાશાહને સાક્ષાત જોયા અને એમનો યુદ્ધ ઉત્સાહ અનેક ગણો વધી ગયો. યુદ્ધમાં તમામ 3000 મુગલો રાજપૂત વીરોનાં હાથે હણાયા અનેક રાજપૂત વીરો પણ વીરગતિ પામ્યા. આસફ ખાં પલાયન થઇ ગયો.

તારીખ 24 જૂન 1564નાં દિવસે ત્રીજા યુદ્ધ  માટે આસફ ખાં એ મોટા લશ્કર સાથે ફરી વાર ગઢમંડલા પર ચડાઈ કરી. આ વખતે રાણી દુર્ગાવતી ની સેનામાં સૈનિકો ઓછા હતાં. પોતાનો અંત સમય સામે જોઈ રાણી દુર્ગાવતી એ ૧૫ વર્ષનાં પુત્ર નારાયણસિંહ ને ગુપ્ત સ્થાને મોકલી દીધા.

યુદ્ધમાં રાણી દુર્ગાવતીનો પક્ષ એક પછી એક વીરો હણાતા ઓછો થવા લાગ્યો. દુર્ગાવતીનાં નાં હાથ અને ગળા પર તીર વાગ્યા અને એક તીર એમની જમણી આંખ માં ઊંડે સુધી ઘુસી ગયું.

અકબર નું દાસત્વ સ્વીકારવા કરતાં અને જેને બે-બે વાર યુદ્ધમાં હરાવ્યો એ આસફ ખાં ના હાથે હારવા કરતાં રાણી દુર્ગાવતી ને મૃત્યુ વધારે શ્રેષ્ઠ લાગ્યું. એમણે સેનાપતિ આધારસિંહને આદેશ કર્યો કે તેમનું (રાણી દુર્ગાવતી નું) માથું ધડ થી અલગ કરી નાખે. આધારસિંહે આદેશનું પાલન ન કર્યું એટલે રાણી દુર્ગાવતીએ પોતાની જ કટારથી મૃત્યુ વહોર્યું અને વીરાંગના બન્યા.

વીરાંગના રાણી દુર્ગાવતી ને શત શત નમન.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા બરેલા યુદ્ધ ભૂમિ પર રાણી દુર્ગાવતીનું સ્મારક બનાવવામાં આવ્યું છે તથા 1976માં જબલપુરમાં 'રાણી દુર્ગાવતી મ્યુઝિયમ' બનાવ્યું છે.

જબલપુર યુનિવર્સિટીનાં નામ સાથે રાણી દુર્ગાવતીનું નામ જોડી દેવામાં આવતા 1983 થી આ યુનિવર્સિટી 'રાણી દુર્ગાવતી જબલપુર યુનિવર્સિટી' નામ થી પ્રખ્યાત છે.

આ લેખનાં સંકલન માટે વિકિપીડિયાનાં હિન્દી સંસ્કરણ અને અન્ય વેબસાઇટનો આધાર લેવામાં આવ્યો છે.

- પ્રો.નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.