જગદગુરુ આદિ આદિશંકરાચાર્ય

જગદગુરુ આદિ શંકરાચાર્ય

શંકરાચાર્યનો જન્મ કેરળનાં કાલડી ગામમાં ઇસ 788 માં થયો હતો. તેઓ નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતાં. એમનાં માતાનું નામ આર્યામ્બા હતું. ઘણી જગ્યા એ અંબિકા કે સતિ નામ પણ પ્રાપ્ત થાય છે. એમનાં પિતાનું નામ શિવગુરૂ હતું.

નિઃસંતાન શિવગુરૂ-આર્યામ્બા ને ત્યાં શિવ કૃપા થી બાળકનો જન્મ થયો હોવાથી એમનું નામ 'શંકર' રાખવામાં આવ્યું.

શંકર જન્મથી જ દિવ્ય અને અસામાન્ય બુદ્ધિ વાળા હતાં. જન્મનાં એક વર્ષમાં જ એમણે સંસ્કૃત મુળાક્ષરો શીખી લીધા હતાં. બીજા વર્ષે માતૃભાષામાં વાચનશક્તિ કેળવી. ત્રીજા વર્ષે કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો.

જન્મનાં ચોથા વર્ષે પિતાનું મૃત્યુ થયું અને શંકરની બધી જવાબદારી માતા પર આવી.

માતા એ પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર ગ્રહણ કરાવ્યાં. અને શંકરે બ્રહ્મચર્યાશ્રમમાં તપસ્વી જીવન સાથે વિદ્યાદ્યયન શરું કર્યું.

આઠમાં વર્ષે શંકરે માતા પાસેથી સંન્યાસની અનુમતિ લઇ ઇસ. 796માં નર્મદાકિનારે ગુફામાં રહેતા ગોવિંદપાદાચાર્ય વિદ્વાન સન્યાસી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે થી દર્શન-તત્વજ્ઞાનનાં બધા ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. ઉપરાંત ગુરુનાં ગુરુ ગૌડાપાદાચાર્ય અદ્વૈત સિદ્ધાંત સંપૂર્ણપણે આત્મસાત કર્યો.

સોળ વર્ષની ઉંમરે ગુરુની પ્રેરણાથી શંકરે ઉપનિષદો, ભગવદ્ગીતા અને બ્રહ્મસુત્રો પર ભાષ્ય લખી શંકર માંથી શંકરાચાર્ય બન્યાં. શંકરાચાર્યએ વેદાંતનો કેવલાદ્વૈત સિદ્ધાંત (બ્રહ્મ અને આત્મા એક જ છે) સ્થાપિત કર્યો.

આ સમયે ભારત આધ્યાત્મિક દૃષ્ટિ એ છીન્ન ભિન્ન હતો. આત્મા ને ન માનનારા કર્મકાંડીઓ હતા, તો બીજી બાજુ વેદનાં વિરોધીઓ બૌદ્ધો હતાં. શક્તિ ઉપાસકો દૈવી શક્તિનાં બદલે રુધિર તરસી દેવીની ઉપાસના કરતાં હતાં. તંત્રનો દુરુપયોગ પ્રચુર માત્રામાં થતો જેના કારણે અંધશ્રદ્ધા બધી બાજુ ફેલાયેલી હતી.

વેદ-વેદાંત વિરોધી બધા મતોનાં ખંડન માટે અને વેદાંત સિદ્ધાંતનાં ફેલાવા માટે શંકરાચાર્યએ ભારત ભ્રમણ શરુ કર્યું. વેદ-વેદાંત વિરોધી અનેક વિદ્વાનોને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યા. આમાંથી કેટલાંક તો શંકરાચાર્યથી પ્રભાવિત થઇ એમના શિષ્ય બની ગયાં.

પોતે અનેક વેદ-વેદાંત વિરોધીઓનું ખંડન કરી વેદાંત સિદ્ધાંત સ્થાપિત કર્યો એ જળવાઈ રહે એનાં માટે શંકરાચાર્ય એ ભારતનાં જુદા જુદા ચાર ભાગોમાં મઠો-સંસ્થોની સ્થાપના કારી-

ઉત્તરમાં હિમાલય-બદરી કેદારમાં જ્યોતિર્મઠ,

પશ્ચિમમાં દ્વારકામાં શારદામઠ,

પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ,

દક્ષિણમાં રામેશ્વરમમાં શૃંગેરીમઠ.

આ ચારેય મઠનાં મુખ્ય આચાર્યને શંકરાચાર્યએ પોતાનું નામ આપ્યું અને શિષ્યોને કહ્યું આમને મારા નામ થી જ ઓળખવા અને મારા જેટલું જ માન આપવું. આ પરંપરા આજે પણ વિદ્યમાન છે. આ ચાર મઠોમાંથી શંકરાચાર્યનાં હજારો શિષ્યો થયાં જેમણે વેદાંત જ્ઞાન અને શંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાંત નો પ્રચાર કર્યો. આજે 1228 વર્ષ પછી પણ આ ચારેય મઠ વિદ્યમાન છે.

શંકરાચાર્યએ 400 ગ્રંથોની રચના કરી છે.

આમાંથી 11 ભાષ્યો, 8 સ્તોત્રો, 5 પ્રકરણગ્રંથો એમ કુલ 24 ગ્રંથો શંકરાચાર્યએ પોતે સ્વતંત્ર લખ્યાં છે.

શેષ 31 ભાષ્યો, 215 સ્તોત્રો, 112 પ્રકરણગ્રંથો એમ કુલ 358 ગ્રંથો શંકરાચાર્યએ શિષ્યો સાથે મળીને રચ્યાં હતાં.

32 વર્ષની વયે શંકરાચાર્યએ દેહત્યાગ કર્યો અને પંચમહાભૂતમાં વિલીન થયાં.

શંકરાચાર્યનાં સમગ્ર જીવનને એક જ શ્લોકમાં આ રીતે વર્ણવાયું છે-

अष्टावर्षे चतुर्वेदी, द्वादशे सर्वशास्त्रविद ।
षोडशे कृतवान भाष्यं, द्वात्रिंशे मुनिरभ्यगात ।।

"આઠ વર્ષે ચારેય વેદો ભણ્યાં, બારમાં વર્ષે બધા જ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું, સોળમા વર્ષે ભાષ્ય લખ્યું અને બત્રીસમાં વર્ષે પૃથ્વી પરથી ગયા!"

જગદગુરુ આદિ શંકરાચાર્યનાં જીવન વિષેની આ સમગ્ર માહિતી મેં નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' એ જુદા જુદા સાત ગ્રંથો માંથી માહિતી એકઠી કરી અહીં શક્ય એટલી સંક્ષેપમાં રજુ કરી છે.

જય માતૃભુમિ.

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'.

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.