ભગતસિંહના આદર્શ ક્રાંતિવીર કરતારસિંહ સરભા


ક્રાંતિવીર ભગતસિંહ ના આદર્શ એવા મહાન ક્રાંતિકારી કરતારસિંહ સરભા જન્મ 24 મે 1896 માં પંજાબના લુધિયાણાના સરભા ગામે શીખ પરિવારમાં થયો હતો.મેટ્રીક લુધિયાણાની માળવા ખાલસા હાઇસ્કૂલમાં પાસ કર્યા બાદ 1912 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટી University of California at Barkley માં કેમેસ્ટ્રી ની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો.

કરતારસિંહને બ્રિટિશ સરકાર સામે ખુબ રોષ હતો અને તેઓ નિર્ભય બનીને ખુલ્લે આમ વ્યક્ત પણ કરતાં, બ્રિટિશ સરકાર પ્રત્યેનો એમનો રોષ એટલો વધી ગયો કે 1913 માં ભારતને આઝાદ કરવાની ચળવળ માટે એમને ગદર પાર્ટી ની સ્થાપના કરી. તેમની ગદરપાર્ટી નું ધ્યેય વાક્ય હતું -

" દેશની સ્વતંત્રતા માટે બધું જ દાવ પર લગાવી દો."

ગદરપાર્ટીમાં ઘણા બધા યુવાનો જોડાયા. 1 નવેમ્બર 1913નાં રોજ ગદરપાર્ટી એ 'ગદર' સમાચારપત્ર બહાર પાડ્યું. આ સમાચારપત્રનો મુખ્ય ધ્યેય બ્રિટિશ સરકારનો સાચો ચહેરો સામે લાવવાનું હતું. આ ગદર સમાચારપત્ર હિન્દી ઉપરાંત પંજાબી,ગુજરાતી,બંગાળી,ઉર્દૂ અને પુશ્તો એમ કુલ 6 ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું. આ સમાચારપત્ર ભારતમાં અને ભારત બહાર રેહતા ભારતીયો સુધી પહોંચ્યું. અને આથી જ થોડાક જ સમયમાં કરતારસિંહ અને ગદરપાર્ટી પ્રખ્યાત થઇ ગયા.

1914 માં પ્રથમ વિશ્વયુદ્ધ ઘોષિત કરવામાં આવ્યું ત્યારે કરતારસિંહે તક જોઈ બ્રિટિશ સરકાર વિરુદ્ધ 5 ઓગષ્ટ 1914 ના ગદર સમાચારપત્ર માં "વિશ્વયુદ્ધનો નિર્ણય" શીર્ષક હેઠળ લેખ છાપ્યો. 5 ઓગષ્ટ 1914 ના ગદર નો આ અંક કરતારસિંહે છેવાડા ના ગામડાં સુધી પહોંચાડ્યો. આનાથી બ્રિટિશ સરકાર હચમચી ગઈ.

નવેમ્બર 1914માં કરતારસિંહ પોતાના સાથીદારો સત્યેન સેન, વિષ્ણુ ગણેશ પિંગલ અને અન્ય ગદરપાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે બનારસમાં રાસ બિહારી બોસ ને મળવા આવવાના હતા જેની જાણ બ્રિટિશ સરકાર ને અગાઉ થી થઇ ગઈ.

કરતારસિંહ અને તેમનાં સાથીદારો ને કલકત્તાનાં બંદરે જ પકડી લેવામાં આવ્યા જેમાંથી કરતારસિંહ સહીત 63 સાથીદારો ને લાહોરની જેલમાં પુરવામાં આવ્યા અને તેમનાં પર કેસ ચલાવવામાં આવ્યો. જેમાં કરતારસિંહ સહિત 24 ને ફાંસી ની સજા આપવામાં આવી.

16 નવેમ્બર 1915 નાં દિવસે કરતારસિંહ ને ફાંસી પર ચડાવવામાં આવ્યા ત્યારે એમની ઉંમર 19 વર્ષ હતી.

આ કરતારસિંહ ભગતસિંહના આદર્શ હતા. એવું પણ કહેવામાં આવે છે કે ભગતસિંહ કરતારસિંહ નો ફોટો હંમેશા પોતાના ખિસ્સામાં રાખતા.

ક્રાંતિવીર કરતારસિંહ ને શત શત નમન!

જય ભારત.

પ્રો.નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

24 મે 2016.

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.